Monday, April 12, 2010

સમય

અબજો વર્ષોથી તું આ સૃષ્ટિ ને
જન્માવી ચુક્યો છે, મારી ચુક્યો છે.
પુન: પુન: એ ચક્ર ચાલ્યા કરે છે.

તારી આંગળી પકડી ડગુમગુ થતો માણસ
તને પકડવા મથી રહ્યો છે.

તારા આંગણમાં આજે હસતો રમતો માણસ
કાલે તારા ગર્ભમાં કાયમ માટે સમાઈ જવાનો છે.

માણસે તારા વિભાગ પડ્યા ભૂત-ભાવી-વર્તમાન
તું તો રહ્યો અખંડ, એકજ, અવિરામ,અવિરત.

તને શોક નથી,તને આનંદ નથી,
ઘટનાઓનો સાક્ષી તું, અનહદ, વિરાટ.

સુરજ ઉગે કે ના ઉગે, તારા ખરે કે ના ખરે,
તું તો સતત જાગૃત, અલિપ્ત, અપરિમિત.

સહારાના રણની રેતી એટલે તું,
અને એનો કણ એટલે હું.

સમય ! ધન્ય છે તારા હોવાપણાને,
નમસ્કાર છે તારા અનંત અસ્તિત્વને.

ડો. અરવિંદ પંચાલ
૧૫/૦૧/૨૦૦૪




No comments:

Post a Comment